ગુરુવાર, 17 માર્ચ, 2011

એક ભૌમિતિક ગઝલ...

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે

તારું પહેલા વરસાદ સમું આવવું

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા

ઓચિંતા ધોધમાર આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં

લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?

ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

-શ્રી રમેશ પારેખ

સંસાર છે ચાલ્યા કરે...ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરેખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે

ખૂબ ઊંડા વેદનાના ઘાવ છે, સંસાર છે ચાલ્યા કરે
ચામડી નીચે સળગતી આગ છે, સંસાર છે ચાલ્યા કરે

આપણે સાથે મળી વર્ષો લગી જેને બનાવ્યા ધારદાર,
પીઠ ઉપર એ ખંજરોનો ભાર છે, સંસાર છે ચાલ્યા કરે

સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ,પણ થાય શું?
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે

એ તને આવી મળે કે ના મળે એ શક્યતાનો આમ તો,
ડોર પર શ્રદ્ધાની બસ આધાર છે, સંસાર છે ચાલ્યા કરે

શક્યતા...

શક્યતા ફળદ્રુપ વસ્તુ હોય છે, તારી તો ખાસ
લાગણી ભયજનક વસ્તુ હોય છે, મારી તો ખાસ

તારા વિચારો છે હાજરી ક્યાં તારી, તૂં હોય બધે લાગે છે તોય મને કોણ જાણે એવું
આવવાને દીધૂં છે ‘આગમન’નું નામ, ને ‘જવું’ નો શબ્દજ શબ્દકોષોમાં હોય ના તો કેવું?

યાદ કમોસમી વસ્તુ હોય છે, તારી તો ખાસ
ભીનાશ કાયમી વસ્તુ હોય છે, મારી તો ખાસ.

પ્રેમ આપણો સાવ છીછરો જ નો’તો, ને માપવાને એને ગજ પણ મળ્યા’તા ક્યાં
હતું મૂલ્ય મારું છો ઘણાય શૂન્યોમાં, હતી શોધ એક્ડાની, આવી મળ્યા તમે ત્યાં.

ઉપેક્ષા ધારદાર વસ્તુ હોય છે, તારી તો ખાસ
અપેક્ષા ધોધમાર વસ્તુ હોય છે, મારી તો ખાસ.

તારાપણાના શહેરમાં...

આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી


એક બીજી ગઝલ - વિરાજ અને બીજલ ઉપાધ્યાયે ખૂબ સુંદર રીતે ગાઈ છે, પુરુષોતમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ દ્વારા પ્રસ્તુત "તારા શહેરમાં"


વિરહોત્કંઠિતા ગઝલ...

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

એક બીજાની ઉપર આધાર છે..

એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે

લાગણી તો જડભરત છે

શ્વાસ સાથેની લડત છે
જીવ માટેની મમત છે

તેં મને આપેલ વર્ષો
એક-બે સારા પરત છે

તૂં કહે નાજૂક નમણી
લાગણી તો જડભરત છે

એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે

ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે

તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે